અરાવલીની એકબીજામાં ગૂંથાયેલી ગિરિમાળાઓ વચ્ચે આવેલ તારંગાનો ડુંગર ભવ્ય ભૂતકાળ અને ઉત્તમ ધર્મ ભાવનાઓની ઝાંખી કરાવે છે. પવિત્ર મંદિરોથી વિભુષિત અને રળિયામણી ટેકરીઓથી વીંટળાયેલુ આ તિર્થ જૈનોનાં પાંચ મુખ્ય તિર્થૉમાંનુ એક મહાતિર્થ હોવાનુ ગૌરવ ધરાવે છે.
કલિ કાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની ભાવના અને મહારાજા કુમારપાલની ભક્તિની કીર્તિગાથાનું એક મધુરુ કાવ્ય તે તારંગા તિર્થ. હાલનું દેરાસર (જૈન મંદિર) અને તિર્થસ્થાન તેરમી સદીમાં રચાયેલા છે.
મહારાજા કુમારપાળને અજમેરના રાજા અર્ણોરાજ પર અગિયાર વાર ચઢાઇ કરવા છતાં વિજય મળ્યો નહીં ત્યારે મંત્રી વાગ્ભટે મહારાજા કુમારપાળને શ્રી અજિતનાથ ભગવાનની પૂજા કરવાનું કહ્યુ.પૂજાવિધિ કર્યા પછી કુમારપાળે અજયમેરુ (અજમેર) ના રાજા અર્ણોરાજ પર વિજય મેળવ્યો. ત્યારબાદ પોતાના ગુરૂ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તારંગા પર મંદિરની રચના કરીને શ્રી અજિતનાથ મૂળનાયકનું બિંબ સ્થાપ્યુ. તારંગા પર અનેક મુનિ-મહાત્માઓ મોક્ષે ગયા હોવાથી તે શત્રુંજયની પ્રતિક્રુતિરૂપ ગણાય છે.
આ દેરાસરની રચના વિ. સં. ૧૨૧૧ માં થયાનો ઉલ્લેખ મળે છે. દરવાજો પુર્વાભિમુખ છે. દાખલ થતાં જ અંબિકા માતા અને દ્વારપાળની મૂર્તિઓના દર્શન થાય છે. ચોક પૂર્વ - પશ્ચિમ ૨૮૦ ફુટ જેટલો લાંબો અને ઉત્તર - દક્ષિણ ૨૧૨ ફુટ જેટલો પહોળો છે.
મૂળ ગભારો ૧૮ બાય ૧૮ ફુટનો છે અને આખો આરસાથી મઢેલો છે. તેમાં મૂળનાયક શ્રી અજિતનાથની મૂર્તિની બેઠક સાથે ઊંચાઇ ૧૧૨ ઇંચ છે. પૂજા કરવા માટે બન્ને બાજુ નિસરણીઓ મૂકેલી છે. નીચેના ભાગમાં નવગ્રહો અને યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ છે. મંદિરના ગુઢ્મંડપનો ઘેરાવો ૧૯૦ ફુટ્નો છે અને ઘુમ્મટ અષ્ટભદ્ર અને ષોડષભદ્રવાળા આઠ સ્તંભો પર ઉભેલો છે. પાછળથી મુકાયેલા બીજા સોળ સ્તંભોએને ટેકો આપે છે. વચ્ચે ઝુલતું કાચનુ ઝુમ્મર ધ્યાનાકર્ષક છે.
એક બાજુ મંદિર ના શિખરની ઊંચાઈ આંખોને ભરી ભરી દે એવી ભવ્યતા આપે છે તો બીજી બાજુ શિલ્પસૌદર્ય રેલાતું હોય તેવો અનુભવ થાય છે. પ્રત્યેક શિલ્પાક્રુતિ એકબીજાથી ભિન્ન છે. સામાન્ય રીતે મંદિરની અંદરનો ભાગ ઈંટથી ચણી લેવામાં આવ્યો હોય છે. જ્યારે અહીં મુખ્યત્વે કેંગરનાં લાકડાથી મંદિરના માળને ટેકો આપવામાં આવ્યો છે. વર્ષો વિત્યા છતાં અને મંદિરની મોટી મોટી શિલાઓનો ભાર ઊંચકવા છતાં કેંગરનાં લાકડા તૂટ્યા નથી. આ લાકડુ અગ્નિથી બળતુ નથી. એને સળગાવવાથી એમાથી પાણી ઝરે છે. અને થોડી જ વારમાં એના પર રાખ વળી જાય છે.
No comments:
Post a Comment